જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️

હાલારની આ ધીંગી ધરતી પર મહેરબાન કુદરતે ચાર હાથે સૌંદર્ય વેર્યું છે. જેને લઇને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા અનેક રમણીય સ્થળો આવેલા છે. જે વિશ્વસ્તરે ઓળખ ધરાવે છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે પણ આવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પહેલી પસંદ બન્યા છે. ચોમાસાની ઋતુ માં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારની સુંદરતા સોળે કળાએ ખીલી છે. હાલ આ ધરતીએ અલગ જ સૌંદર્ય ધારણ કર્યું છે. ખડખડ વહેતા ઝરણા, લીલીછમ ચાદર ઓઢીને ઉભેલા ડુંગરો, વાદળથી વાતો કરતા વાહોલિયા(પવન), ઘૂઘવતો સમુદ્ર અને પંખીઓના કલરવ તેમજ હળકડોકલ થતી નદીઓના દ્રષ્યોએ આ ધીંગી ધરતીની શોભાને શણગારી છે.

ખાસ વાત તો એ છે કે આજ-કાલ યુવાનોમાં ટ્રેકિંગનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવા ટ્રેકિંગ માટેના પણ અહીં અદભુત બે સ્થળો આવેલા છે. જેમાં એક જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામે આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરનો ડુંગર તથા એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકામાં આવેલ બરડા ડુંગરનો આભાપરા હિલ! જે ટ્રેકિંગ માટે ચોમાસામાં ખૂબ જ વિખ્યાત છે.

ટ્રેકિંગના શોખીન જામનગરવાસીઓને હવે જૂનાગઢ, મુંબઈ કે લોનાવાલા સહિતના સ્થળોએ ટ્રેકિંગ માટે જવાની જરૂર નથી. કારણ કે આપણે આજે જામનગર જિલ્લાના જ એવા ટ્રેકિંગ માટેના સ્થળોની વાત કરશું!જેમાં દૂધેશ્વર મહાદેવ મંદિરના ડુંગરનો સમાવેશ થાય છે. લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામે વીડી વિસ્તારમાં દૂધેશ્વર મહાદેવ મંદિરનો ડુંગર આવેલ છે. ખળખંભાળિયાં ગામના પાટીએ પહોંચતાની સાથે જ તમને લીલી ચાદરથી ઢંકાયેલો ડુંગર જોવા મળશે. જે ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ છે. અદભૂત સૌંદર્ય અને લીલીછમ વનરાઈથી ઘેરાયેલા આ ડુંગરે લોકો ટ્રેકિંગ માટે આવેલ છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના જસાપર ગામ નજીક આવેલ તુંગેશ્વર મહાદેવ મંદિરનો ડુંગર પણ ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ છે. જ્યાં જળ સંગ્રહ માટે વિશાળ ડેમ આવેલ છે. જે શોભાને વધારે છે. અને લીલી હરિયાળી વચ્ચે ડુંગર પર તુંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ સ્થળ પણ ટ્રેકિંગ માટે બેસ્ટ છે અને આજુબાજુના વિસ્તારવાસીઓ ત્યાં ટ્રેકિંગ માટે જતા હોય છે અને ખાસ શ્રાવણ મહિનાના સોમવારે તથા રવિવારની રજામાં અહીં વધુ ભીડ જોવા મળતી હોય છે. આ સ્થળ જામનગર થી લગભગ 45 થી 50 કિમીના અંતરે આવેલ છે. જામનગર ખંભાળિયા હાઇવે પર આવેલી રિલાઇન્સ રિફાઇનરીથી આગળ મોડપર ગામના પાટીયાથી અંદર લગભગ 15 એક કિમીના અંતરે આ ડુંગર આવે છે.

આ ઉપરાંત જામનગર નજીક આવેલ બરડા ડુંગરમાં પણ હાલ અદભુત સૌંદર્ય ખીલ્યું છે અને બરડા ડુંગરનો આભાપરા હિલ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી ટ્રેકિંગ માટે આ સ્થળ પણ સ્વર્ગ સમાન છે અને માત્ર જામનગર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના આસપાસના લોકો અહીં ટ્રેકિંગ માટે દોડી આવતા હોય છે. અને ખાસ રવિવારની રજાઓમાં અથવા દિવાળી, સાતમ આઠમ સહિતના તહેવારોમાં અહીં ભારે ભીડ જોવા મળતી હોય છે.