જામનગરની આ વસ્તુ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ, દુનિયામાં છે પ્રખ્યાત, જાણી જામનગરી તરીકે તમે પણ અનુભવશો ગર્વ

એક દુહામાં એવું કહેવામાં આવ્યું છે કે “કાઠિયાવાડમાં તું કોક દી’ ભૂલો પડ ભગવાન, તું થા ને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” તેમાં પણ હાલાર દુનિયાભરમાં ખાણી-પીણી માટે પ્રખ્યાત છે. વળી અહિંયાની બાંધણી લેવા લોકો દેશ-વિદેશથી આવે છે. જામનગર એટલે ખાવા-પીવાથી લઈને હરવા ફરવા માટે મજા આવે એવી જગ્યાં. વાત હોય જામનગરની કચોરીની કે પછી ફાલુદાની અહિંયાની દરેક આઈટમ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ત્યારે આવો જાણીએ જામનગરની પ્રખ્યાત વસ્તુઓ વિશે…

જામનગરની કચોરી
જામનગરમાં રાજસ્થાની કચોરી લોકોને દાઢે વળગી છે. ગરમાં ગરમ કચોરી ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે.. વળી અહિંયા કચોરી પાર્સલ કરીને છેક વિદેશ સુધી પણ મોકલવામાં આવે છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જામનગરની સૂકી કચોરી ખુબ જ પસંદ છે.. જામનગરની કુકુ બ્રાન્ડની કચોરી સૌથી પ્રખ્યાત છે.. અહિંયા સાદી કચોરી 240 રૂપિયા એક અને ડ્રાયફ્રુટ કચોરી 480 રૂપિયા કિલોના ભાવે વેંચાય છે.

ફાલુદા
જામનગરના હાર્દ સમો વિસ્તાર એટલે દરબાર ગઢ પાસે આ ફખરી ફાલુદાની દુકાન આવેલી છે. આસપાસના વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકો ફખરીના ફાલુદા પીધા વગર ધરે જતા નથી… આ સાથે જ આસપાસના ગામોમાંથી પણ લોકો સ્પેશિયલ ફખરીના ફાલુદા પીવા આવે છે.. એવુ નથી કે આ ફાલુદા માત્ર જામનગરમાં જ પ્રખ્યાત છે પણ આ ફાલુદા ગુજરાત આખામાં પ્રખ્યાત છે.

મુખવાસ
જામનગર માં અલગ- અલગ 152 પ્રકારના મુખવાસ મળે છે. મુખ્ય અને ફેમસ મુખવાસની વાત કરવામાં આવે તો જામનગરી મુખવાસ, સ્વીટ આમલા, મસાલા ગોટલી, ઠંડાય મુખવાસ, રાજભોગ, બટર કોચ, મસાલા આદુ, મસાલા મેથી, ટોપરા ડ્રાયફૂટ, એલાઈસી, મસાલા આદુ, પાન મુખવાસ, ચેરી ડ્રાયફ્રુટ, બટર સ્કોચ, પાઈનેપલ, રોસ્ટેડ એલસી, ચોકલેટ લાડું, પાન લાડું લોકોની પહેલીપસંદગી છે. અહિંયાના મુખવાસ દેશ-વિદેશમાં પણ પાર્સલ કરવામાં આવે છે.. ખાસ કરીને તહેવારોની સિઝનમાં મુખવાસની ખરીદી ખુબ મોટા પ્રમાણમાં થાય છે.

ઘુઘરા
જામનગરનું નામ પડે એટલે સૌથી પહેલા ઘુઘરાનું નામ મોંઢા પર આવે.. કારણ કે અહિંયાના ઘુઘરા ખુબ જ પ્રખ્યાત છે.. ગુજરાતમાં જો સૌથી સારા ઘુઘરા ક્યાંય મળતા હોય તો તે છે જામનગર… અહિંયા ઘુઘરા સાથે જે તીખી ચટણી આપવામાં આવે તે પણ ખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાં અનેક લોકોના ઘૂઘરા ફેમસ છે જેમ કે બાબુભાઈના ઘૂઘરા, દિલીપભાઈના ઘૂઘરા, મારાજના ઘૂઘરા વગેરે વગેરે… ત્યારે જો ક્યારેય જામનગર જવાનું થાય તો ઘુઘરા ખાવાનું ભુલવુ નહીં.

જામનગરની પ્રખ્યાત બાંધણી
કોઈ પણ ઘરમાં શુભ પ્રસંગ હોય એટલે સૌથી પહેલાં બાંધણીને યાદ કરવામાં આવે છે. તેમાં પણ જામનગરમાં બનતી બાંધણીની તો વાત જ અલગ છે. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જામનગરની બાંધણી પ્રખ્યાત છે. આ બાંધણીનું રો મટીરીયલ બેંગલોર, બનારસ અને સુરતથી મંગાવવામાં આવે છે.. જ્યારે તેના રંગો મુંબઈથી મંગાવવામાં આવે છે.. જામનગરના અનેક પરિવારો 100 વર્ષથી પણ વધુ સમયથી બાંધણી બનાવી રહ્યા છે. સાડી પર હાથથી બનેલા સુંદર બંધેજ નું કામ જામનગર સિવાય બીજે ક્યાય જોવા નહીં મળે. આ બંધેજ નું કામ કરેલી સાડીની ડિમાન્ડ વિશ્વભરમા છે. જામનગરમાં તમને 500 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની બાંધણી મળી જાય છે.

મૈસુબ
મૈસુબ તો આપણે ઘણી વખત ખાધો હશે પણ જો તમે એક વખત જામનગરનો મૈસુબ ખાવ પછી જુઓ શું મજા પડે છે… કારણ કે જામનગરનો મૈસુબ ખાતાની સાથે જ મોંઢામાં રવો રવો થઈ જાય છે.. જામનગરનો મૈસુબ ઘીથી તલપત અને એકદમ કોમળ હોય છે.. જે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ ખાઈ શકે છે.. અમદાવાદ-સુરત-રાજકોટ અને બરોડાના લોકો સ્પેશિયલ જામનગરથી મૈસુબ મંગાવતા હોય છે.