હમ જીયેંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ….

દેશના સીમાડા સાચવતા-સાચવતા ગુજરાતના વધુ એક હિરલાએ શહીદી વહોરી અમર થયા છે. હાલમા જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમા થોડા આંતકીઓ સાથે અથડામણની ઘટના ઘટી હતી. જેમાં મૂળ સુરેન્દ્રનગર પંથકના મોજીદડ ગામમાં અને હાલ અમદાવાદ રહેતા જવાન મહિપાલસિંહ વાળા શહિદ થયા છે. આજે જમ્મુ કાશ્મીરથી જવાનનો 4 વાગ્યે નશ્વરદેહ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં મહિપાલસિંહ વાળાને ભારે હૈયે અંતિમ સલામી આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરથી અમદાવાદ સુધી લોકોએ નતમસ્તક વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન શહીદ જવાન અમર રહોના નારા ગુંજયા હતા. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અમર જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નાની ઉંમરમાં વીર જવાન મહિપાલસિંહ વાળાએ શહીદી વ્હોરતા વીર જવાના પરિવારજનોના કરુણ આક્રદ છવાયો છે. વતન અને વિસ્તાર શોકના સાગરમાં ડૂબ્યા છે. કાળજા ચિરાઈ જાય તેવા રોકકળાટને પગલે હૈયું ચિરાઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.હાલ અમદાવાદમાં અમર જવાનના નિવાસસ્થાન વિરાટનગર ખાતે પાડોશી, વતનવાસીઓ અને સગાસબંધીઓ મોટી સંખ્યામાં દોડી ગયા હતા. જ્યા અશ્રુનો દરિયો ઉભરાય હતો.

આ ઘટનાની કરુણતા એ છે કે માતૃભૂમિની રક્ષા કાજે હસતા મુખે મોતને ભેટનાર શહીદ જવાન મહિપાલસિંહના ધર્મપત્ની ગર્ભવતી છે. તાજેતરમાં જ તેમના પત્નીનું શ્રીમંત સંપન્ન થયું છે. ઘરે પારણું બંધાય અને આવનાર બાળકનું મોઢું જોવા મળે તે પહેલા જ દેશ સેવાને સૌથી મહાન ગણી ગુજરાતના આ હિરલાએ રાષ્ટ્ર રક્ષા કાજે શહીદી વહોરી દેશમાં. દેશવાસીઓ આ જવાનના બલિદાનને ક્યારેય નહિ ભૂલે! જેના ઋણી રહેશે!