ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે.

સનાતન ધર્મમાં જેમનું સૌ પ્રથમ નામ લેવામાં આવે છે અને સૌ પ્રથમ જેની પૂજા કરવામાં આવે છે તેવા દુંદાળા દેવની જન્મ જયંતી એટલે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે હાલાર, સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણીનો માહોલ છે ઠેર ઠેર દુંદાળા દેવના સ્થાપન થઈ રહ્યા છે અને વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ દર વર્ષની પરંપરા મુજબ પદયાત્રીઓ દ્વારા ગત રાત્રે જામનગરથી સપડા સુધી પદયાત્રા કરી અને ભગવાન ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવવામાં આવી હતી.

વર્ષો જૂની આ પરંપરા આજે પણ અકબંધ રહી હતી. ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણો I Love jamnagar ના આ વિશેષ અહેવાલમાં !

જામનગર શહેરથી 20 કિલોમીટર દૂર આવેલ સપડા ગામે ભગવાન ગરવા ગણેશજીની સૌરાષ્ટ્રની સૌથી ઊંચી મૂર્તિ છે. જ્યા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે અને આ મંદિર જામનગર સહિત હાલાર પંથકવાસીઓના આસ્થાના અખૂટ સાગર સમાન છે. ખાસ ગણેશ ચતુર્થી ઉપરાંત દસ દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોની ભારે ભીડ જાનતી હોય છે અને પ્રકૃતિના ખોળે બિરાજમાન ગણેશજીના દર્શન માટે જામનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ભરના લોકો ઉમટી પડતા હોય છે.

જામનગરથી લગભગ 20 એક કિલોમીટર દૂર આવેલ વિજરખી ગામ અને ત્યારબાદ આવતા સપડા ગામની ટેકરી પર ભગવાન ગણેશજી બિરાજમાન છે. આ ઉપરાંત બાજુમાં પૌરાણિક મંદિર પણ આવેલું છે. લોકવાયકા પ્રમાણે સપડા ગામે આવેલ ગણપતિજી મહારાજ રૂપારેલ નદીના કિનારે ટેકરીમાં લગભગ 500થી બિરાજમાન છે. આ મંદિર સાથે જોડાયેલા માન્યતા ની વાત કરવામાં આવે તો ગામના એક ગરીબ સુધારણા સપનામાં ગણપતિજી મહારાજ આવ્યા હતા અને તેમણે આ સુથારને સપનામાં પોતાને સ્થાપિત કરવાની વાત કરી હતી.

ગણેશજી મહારાજે કહ્યું હતું કે હું સપડા ગામે આવેલી રૂપારેલ નદીમાં છું અને મને ત્યાંથી બહાર કાઢો અને મારે પ્રસ્થાપિત થવું છે. લોકોના દુઃખ દૂર કરવા માટે સ્થાપિત થવાની ગણેશજીએ માંગ કરી હતી. બાદમાં બળદ ગાડામાં મૂર્તિને લઈ જવાય હતી. જ્યા ડુંગર પર મૂર્તિ સ્થાપિત કરાઈ હતી. હાલ આ મંદિર લાખ્ખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ખાસ વાત એ છે કે મોટાભાગના મંદિરમાં ડાબી સુંઢના ગણેશના દર્શન થાય છે. પરંતુ જમણી સુંઢવારા વિઘ્નહર્તાના દર્શન ખૂબ ઓછા હોય છે. મુંબઈમાં આવેલા સિધ્ધીવિનાયકની માફક સપડામાં પણ જમણી સુંઢવારા ગણેશજીના દર્શન થાય છે જે મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.

આ મંદિર સાથે જોડાયેલ વધુ એક માન્યતા એવી પણ છે કે ખેતરમાં જ્યારે ખેડૂતોને ઉંદરની રંજાડ વધે ત્યારે પાકને બચાવવા માટે આ મંદિર નજીકના ડુંગર પરનો કોઈ પણ પથ્થર લઈ તેને સિંદૂર ચડાવી ખેતરમાં સ્થાપિત કરવામા આવે તો ઉંદર પાકને નુકસાન કરતા નથી.પાક સારો થયા બાદ આ પથ્થર ફરી મંદિરમાં મૂકી પાંચ લાડુ અને યથાશકિત ધાનનુ દાન કરાઈ છે. ખેડૂતો જે પથ્થર મૂકી જતા હતા. તેના વિશાળ ઢગલા થતા જેને ઉપયોગમાં લઇ નવી વિશાળ મૂર્તિ બનાવાઈ છે. અંદાજે જમા થયેલ દોઢ લાખ વધુ પથ્થરોના ઉપયોગ થકી ગણેશજીની મોટી પ્રતિમા તૈયાર કરાઈ છે જે 33 ફુટ ઉંચી અને 20 ફુટ પહોળી છે. તેને બનાવવામાં 3 વર્ષનો સમય અને 50 લાખનો ખર્ચ થયો હોવાનું જાણવા મળે છે.